આજનો યુગ ન્યુઝ,
અમદાવાદ,
લીલાબા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૮ વર્ષથી અન્નક્ષેત્ર ચલાવી રહ્યું છે. સાથે સાથે શબવાહિની પણ ચલાવી રહ્યા છીએ. આ બધુ કરજણમાં સફળ થયા પછી અમદાવાદમાં સૌપ્રથમ અન્નક્ષેત્ર / રોટીબેંક શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા ૩ માસથી પૂ.ગુરૂદેવ શ્રી રાજયશસૂરી મ.સા. અને બેન મ.સા.ના આશીર્વાદથી ૫૦ લોકો જે નિરાધાર, નિઃસહાય, અશક્ત લોકો માટે ટીફીન સેવા ચાલુ કરવામાં આવી છે જે તેમના ઘરે જઈને પહોંચાડવામાં આવે છે. આ કાર્યને સારો એવો પ્રતિસાદ મળ્યો છે.
આ સાથે ૦૯-૧૧-૨૦૧૯ શનિવારથી સૌપ્રથમ અમદાવાદમાં રોટી-બેંક સ્થાપના કરવામાં આવી. આ કાર્યક્રમ દરમ્યાન પૂ.આચાર્ય દેવશ્રી રાજયશ સૂ.મ.સા.નું પ્રવચન તથા આશીર્વાદથી આ સદ્કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમહેમાન તરીકે રાકેશભાઈ શાહ (એમ.એલ.એ., એલીસબ્રીજ) હસ્તે લીલીઝંડી આપી રોટી-બેંકને શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં ફૂટપાથ પર રહેલા ભિક્ષુક, અપંગ, અસહાય લોકોને પાંચ રોટલી, દાળ અને એક કેળું આપવાનું નક્કી કર્યું છે. લીલાબા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ બારભાયાએ જણાવ્યું હતું કે આ રોટીબેંકમાં હાઉસીંગ ફ્લેટના લોકો પાસેથી બે-રોટલી ઉઘરાવીશું. એક હજાર ઘર અમને ફક્ત ૨ રોટલી આપે તો ૨૦૦૦ રોટલી અમને મળી જાય. તેથી ફૂટપાથ પર રહેતા ૪૦૦ લોકોને ૫ રોટલી, દાળ અને કેળુ આપી શકાય. તે માટે અમે હાઉસીંગ ફ્લેટમાં અમારા સ્વયં સેવકો દ્વારા ૧૧-૦૦ થી ૨-૦૦ માં અન્નદાન આપનારા ચોક્કસ ઘરના સ્થાન ઉપર કેસરોલ મૂકીશું અને ૨-૦૦ વાગ્યા પછી તે કેસરોલમાંથી રોટી લઈને અમારી ઓફિસે તે રોટી પ્રમાણે દાળ અને કેળું સાથે લઈશું. સાંજે સૂર્યાસ્ત પહેલા એ લોકોને જમાડીશું. આ સિવાય શબવાહિનીમાં અમે અવસાન પામેલાઓને સ્મશાનગૃહમાં પહોંચાડીએ છીએ તથા તેમના પરિવારજનોને દાળ, ભાત, રોટલી, શાક, ભોજન પહોંચાડીએ છીએ. આ બધુ નિઃશુલ્ક આપીએ છીએ.બસ, આવા ભગીરથ કાર્યમાં આપ સૌનો સાથ-સહકાર મળી રહે એવા આપની પાસે આશીર્વાદ માંગીએ છીએ અને કાર્ય સફળ થાય તેવી પ્રભુને અમે પાર્થના કરીએ છીએ.
પ્રતિનિધ : કૃણાલ પરમાર
ફોટો :પાર્થ શાહ