ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર પકડાયું : બેની ધરપકડ

News ગુજરાત

બે લેપટોપ, મેજિક જેક, ફોન સહિત મુદ્દામાલ જપ્ત

અમદાવાદ,
શહેરના ફતેવાડી વિસ્તારમાં ગેરકાયદે ચાલતાં વધુ એક કોલ સેન્ટરનો શહેર પોલીસે પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે બાતમીના આધારે ફલેટમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડયા હતા અને ઘટનાસ્થળેથી બે લેપટોપ, મેજિક જેક, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ફતેવાડી વિસ્તારમાં ફતેવાડીમાં આવેલી ઝેબા રેસિડેન્સીના ચોથા માળે આવેલા એક ફ્‌લેટમાં મકાન ભાડે રાખી યુવકો કોલસેન્ટર ચલાવી રહ્યા હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેને પગલે વેજલપુર પોલીસે ભારે ગુપ્તતા સાથે સ્ટાફના કાફલા સાથે ફલેટમાં અચાનક દરોડા પાડયા હતા અને ત્યાંથી બે શખ્સની વેજલપુર પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓ અમેરિકાના નાગરિકોને લોન આપવાના બહાને છેતરપીંડી કરતા હતા. વેજલપુર પોલીસે ફલેટમાં દરોડો પાડી આરોપી મોહંમદ સલમાન પઠાણ (રહે. કચ્છ) અને સંજય વમીયર (રહે. ખોખરા)ની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા ગૂગલ હેનગાઉટ અને ગૂગલ વોઇસ દ્વારા અમેરિકાના નાગરિકોને ફોન કરી જેની ક્રેડિટ લિમિટ ઓછી હોય તેવા લોકોને પેડે લોન અપાવવાના બહાને છેતરતા હતા અને નાણાં ખંખેરતા હતા. પોલીસે બે લેપટોપ, મેજિક જેક અને બે મોબાઈલ ફોન સહિતનો મુદામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. પોલીસના દરોડા અને ગેરકાયદે કોલ સેન્ટરના પર્દાફાશને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *