પત્રકારો ઉપર થયેલા હુમલાના વિરોધમાં રાજયમાં પ્રત્યાઘાતો

News ગુજરાત

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં પત્રકારોના ધરણાં,
કલેકટર સહિતના સત્તાધીશોને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું

અમદાવાદ,
જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો, ઇલેક્ટ્રોનિક મીડિયાના કેમેરામેન સહિતના મીડિયાકર્મીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને હુમલાની ઘટનાને લઇ સમગ્ર મામલો હવે બહુ ગરમાયો છે અને રાજયભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર સહિત રાજયના વિવિધ જિલ્લાઓમાં પત્રકારો દ્વારા પોલીસના અમાનવીય હુમલા અને શરમજનક કૃત્યના વિરોધમાં ન્યાયની માંગણી સાથે પત્રકારો દ્વારા ધરણાં અને ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ દેખાવો યોજવામાં આવ્યા હતા. બીજીબાજુ, રાજયના ગૃહપ્રધાન દ્વારા આ મામલે ડીજીપીને તપાસના આદેશો જારી કરાયા હતા પરંતુ પત્રકારો પર હુમલાની ઘટનાને ૨૪ કલાકથી વધુનો સમય વીતી જવા છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી નહી થતાં સમગ્ર રાજયના પત્રકાર આલમ અને સ્થાનિક જનતામાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. આજે સૌરાષ્ટ્ર સહિત રાજયના જુદા જુદા સ્થળોએ પત્રકારો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ પોલીસના હુમલાના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણાં-દેખાવો યોજી જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેકટર, મામલતદાર સહિતના સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર સુપ્રત કરી કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક પગલાં લેવા ઉગ્ર માંગણી કરી હતી. તો, બીજીબાજુ, જૂનાગઢમાં પત્રકારો પર થયેલા અત્યાચાર અને રાજ્યભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર મામલે આજે ભીમસેના રસ્તા પર ઉતરી આવી હતી અને વિરોધ કર્યો હતો. ભીમસેનાના કાર્યકર્તાઓએ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં રસ્તા પર સૂઈ જઈ ચક્કાજામ કર્યો હતો. જેને લઈને રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. ભીમસેનાના કાર્યકરોએ દલિતો પર અત્યાચાર બંધ કરો અને પત્રકાર પર અત્યાચાર બંધ કરોના જારદાર નારા લગાવ્યા હતા. તો, સ્થાનિક નાગરિકો પણ પત્રકારો પર પોલીસ દ્વારા હુમલાના વિરોધમાં સામેલ થયા હતા અને પોલીસ પર ફિટકાર વરસાવ્યો હતો. ૧૫૦ ફૂટ રિંગરોડ પર શહેરના નાગરિકોએ કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી પોલીસની ગુંડાગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. મીડિયાકર્મી પર થયેલા હુમલા અંગે શિવસેના અને સત્યમેવ જયતે ગ્રુપે કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગ કરી હતી. આ સાથે જ રાજકોટ-સૌરાષ્ટ્રના મીડિયાકર્મીઓએ પણ જૂનાગઢમાં પત્રકારો પર હુમલા મામલે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું અને જવાબદાર પોલીસકર્મીઓને પહેલા બદલી કરી પછી તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. દરમ્યાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કોંગ્રેસ આગેવાનોએ આ સમગ્ર મામલે રાજયના ગૃહ સચિવને પત્ર પાઠવી લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કોંગ્રેસે જણાવ્યું છે કે, રવિવારે પત્રકારો પર થયેલા હુમલા મામલે સરકાર તટસ્થ તપાસ કરાવે અને કસૂરવાર પોલીસના જવાનો વિરૂદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય નિર્ણય નહી આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *