સગા મામા દ્વારા ભાણિયાના અપહરણ કરી લેવાનો પ્રયાસ

News ગુજરાત

ભાણિયાએ માતા સહિતના પાંચ સામે ફરિયાદ કરી

અમદાવાદ,
શહેરના બાપુનગર વિસ્તારમાં મામાએ જ પોતાના સાગરિતો સાથે મળી ભાણિયાનું અપહરણ કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મામા અને તેના સાથીઓએ યુવકને જબરજસ્તી કારમાં બેસાડી અપહરણનો પ્રયાસ કર્યો હતો જો કે આસપાસના લોકો ભેગા થઈ જતા અપહરણકર્તાઓ ફરાર થઈ ગયા હતા. યુવકે નોંધાવેલી ફરિયાદના આધારે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં પટેલ વાડીમાં રહેતો અને ફર્નિચર પાટ્‌ર્સનો વેપાર કરતો અભિષેક સોલંકી તેના પિતા સાથે રહે છે. તેની માતા સુરત ખાતે રહે છે. ગઈકાલે સાંજે બાપુનગરમાં ફિટનેસ જીમમાં અભિષેક હાજર હતો ત્યારે રાજસ્થાનમાં રહેતાં તેના મામા સંજય ગેહલોતે ફોન કરી તેને નીચે બોલાવ્યો હતો. તેના મામાએ મારે વાત કરવી છે ચાલ મારા જોડે કહ્યું હતું. અભિષેકે જે વાત કરવી હોય અહીંયા કરો હું નહિ આવું તેમ કહ્યું હતું. તેટલી વારમાં સુરત પાસિંગની અર્ટિગા કાર આવી હતી અને તેમાંથી ચાર શખ્સ ઉતર્યા હતા. અભિષેકને જબરજસ્તી કારમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો જો કે અભિષેકે બુમાબુમ કરતા આરોપીઓ કારમાં નાસી ગયા હતા. યુવકના અપહરણનો પ્રયાસ નિષ્ફળ થતાં બાદમાં ભાણિયાએ શહેર કોટડા પોલીસમથકમાં તેના મામા સહિત પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે હવે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓએ કયા કારણસર યુવકનું અપહરણ કરવાનો પ્રયાસ કરાયો અને તેની પાછળનો ઇરાદો શું હતો તે સહિતના કારણોની તપાસ પણ આરંભી છે.

Aajno Yug News Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *